વેબ સરિતા: 01/03/15
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Saturday 3 January 2015

સીનેમાની ટીકીટના અડધીયા જેવો ધર્મ –દીનેશ પાંચાલ

      
ડો. ડેવીડ ફ્રોલી ભારતીય ઈતીહાસના નીષ્ણાત છે. તેમણે કહ્યું છે: ‘અમેરીકા અને જાપાન એટલા માટે સુખી અને સમૃદ્ધ છે કે ત્યાં ધર્મ સમ્પ્રદાયના વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે.’ મલેશીયા અને પાકીસ્તાનમાં અઢળક કુદરતી સમ્પત્તી છે. પણ એ ગરીબ રહ્યા; કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે. મલેશીયામાં હીન્દુ કે ખ્રીસ્તી નાગરીક મુસ્લીમ બની શકે; પણ ઈસ્લામી નાગરીક ધર્મપરીવર્તન કરીને હીન્દુ કે ખ્રીસ્તી ન બની શકે. ઈસ્લામમાંથી ધર્મ પરીવર્તન કરનારને દેહાન્તદંડની સજા થાય છે. એ સમ્બન્ધે એક ચોંકાવનારો કીસ્સો ઘૃણા ઉપજાવે એવો છે. 1988માં મલેશીયામાં જન્મેલી મુળ મલય જાતીની મુસ્લીમ છોકરી (નામ એનું લીના જૉય) ધર્મપરીવર્તન કરીને ખ્રીસ્તી બની. તે છોકરી રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટી કાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ, આટલી બાબતે ગુનો ગણીને ઈસ્લામીક શેરીયા કોર્ટે તેને બેવફા જાહેર કરીને દેહાન્તદંડની સજા ફરમાવી છે. (આજે પણ એ યુવતીએ જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે)
એક વાત સમજાતી નથી. ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ? માણસે પીડાસહન કરવા કે દુ:ખી થવા માટે ધર્મ પાળવો જોઈએ એવું કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી. ધર્મ આખરે શું છે? ભુખ લાગે તો રોટી ખાવી એ જીવન છે અને કોઈ ભુખ્યો આવે તો તેને અડધામાંથી અડધી રોટી આપવી એ ધર્મ છે. પાણી માટે કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.
મીત્રો વચ્ચે ચર્ચા ચાલતી હતી તેમાં એક પ્રૉફેસર મીત્રે જે કહ્યું તે સાંભળવા જેવું છે. એમણે કહ્યું: ‘હું કોઈ પ્રસ્થાપીત ધર્મ પાળતો નથી; પણ માનવધર્મમાં મને પુરી આસ્થા છે. હું મન્દીર, મસ્જીદ કે ગીરજાઘરોમાં જતો નથી; પણ કોઈને હૉસ્પીટલમાં લઈ જવાની ઈમરજન્સી ઉભી થઈ હોય તો મારું કામ પડતું મુકીને દોડી જાઉં છું, ભુખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું; કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉં છું; કોઈનું લોહી પીતો નથી. મન્દીરમાં જવાને બદલે કોઈ સાહીત્યકારની શીબીરમાં જવાનું મને વધુ ગમે છે. મન્દીરમાં ગવાતાં ભજનો સામે મને વાંધો નથી; પણ ભજન ગાવા કરતાં સાહીત્યગોષ્ઠીમાં ચીન્તન–મનન કરવાનું મને વધુ ગમે છે. શીરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબાને રીઝવવા કરતાં ઘરડા મા–બાપની સેવા કરવાનું મને ગમે છે. ઘરમાં સાગનું નાનું મન્દીરીયુ છે. તેમાં ક્યા દેવ છે તેની મને ખબર નથી. પત્ની રોજ પુજા કરે છે. હું નથી કરતો. પત્નીએ મારી ધર્મવીમુખતા સ્વીકારી લીધી છે. હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સુકાય નહીં ત્યાં સુધી હું ત્યાં પગલાં ન પડે તેનું ધ્યાન રાખું છું) એને કંટોલાંનું શાક બહુ ભાવે, મને બીલકુલ ભાવતું નથી. પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલાં (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું. મને કારેલાંનું શાક ખાસ પ્રીય છે તેને ભાવતું નથી. હું કદી તેને તે ખાવા માટે આગ્રહ કરતો નથી. અમારા સહજીવનમાં કંટોલાં–કારેલાં જેવી ઘણી અસમાનતાઓ છે; પણ અમે અનુકુલન સાધીને જીવીએ છીએ. એ ધર્મ પાળે છે, હું પાળતો નથી; છતાં સમજદારીથી સુખી દામ્પત્ય જીવન વીતાવીએ છીએ. દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં અનુકુલન વધુ જરુરી છે. હું બીલકુલ ધાર્મીક નથી; પણ લાખો ધાર્મીકો કરતાં વધુ સુખી છું.’
પ્રૉફેસર મીત્રે આગળ કહ્યું: ‘ઘણા લોકો ભગવાનનો ફોટો, મુર્તી વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે; પણ જમ્યા પછી દાંત સાફ કરતા નથી. રોજ ધાર્મીક પુસ્તકોનું પોપટ–રટણ કરે છે; પણ અખબારો કે પુસ્તકો વાંચતા નથી. તેઓ શ્રદ્ધાપુર્વક ‘રામાયણ’ વાંચે છે; પણ ધંધામાં પાપનું પારાયણ કરવામાં પાછા પડતા નથી. ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી, કોમી રમખાણોમાં થતી છરાભોકથી ઓછી ખતરનાક નથી. ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દીવસભરનાં પાપો ધોવાઈ જાય એવું હું માનતો નથી. હું મન્દીરે નથી જતો; પણ લાઈબ્રેરીમાં રોજ જાઉં છું. ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોનાં જીવનચરીત્રો વાંચું છું. આજપર્યંત ઘરમાં એક પણ વાર કથા–કીર્તન–ભજન, યજ્ઞ કે પુજાપાઠ કરાવ્યાં નથી; પણ મારા આખા કુટુમ્બે દેહદાન અને નેત્રદાનનું ફોર્મ ભર્યું છે. રક્તદાન કરવાનું અમે કદી ચુકતાં નથી. સાધુ–સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ–બે ગરીબ વીદ્યાર્થીને પુસ્તકો, ફી વગેરેમાં મદદ કરું છું. રથયાત્રામાં જોડાતો નથી; પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીંગ વૉક) જરુર કરું છું. કુમ્ભમેળામાં કદી ગયો નથી; પણવીજ્ઞાનમેળો કે પુસ્તકમેળો એકે છોડતો નથી. આ રીતે જીવનારનો ક્યો ધર્મ કહેવાય તેની મને ખબર નથી; પણ કદી એવી ચીન્તા થઈ નથી કે હું ઈશ્વરને નથી ભજતો, મન્દીરમાં નથી જતો, ઘરમાં કથા નથી કરાવતો, ધાર્મીક સ્થળોની યાત્રા નથી કરતો તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે તો મારું શું થશે?’
પ્રૉફેસર મીત્રની વાતો સાંભળી એક વાતનું સ્મરણ થયું. હું લખતાં લખતાં બે ધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તુરત શબ્દો સંભળાય – ‘કેટલી વાર કહ્યું કે પોતું માર્યું હોય ત્યારે સુકાય નહીં ત્યાં સુધી પગલાં પાડવાં નહીં.’ જોવા જઈએ તો આ એક વાક્યમાં સઘળા ધર્મોનો સાર સમાઈ જાય છે. આપણી વાજબી જરુરીયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે જેથી બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે; પણ કોઈને માટે લપ ન બની જઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આ જ વાત સઘળાં ધર્મપુસ્તકોમાં લખી છે. રાવણ બનવાથી બચી જાઓ, પછી ‘રામાયણ’ ન વાંચો તો ચાલે. જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન કે શકુની બની રહેતા હો તો રોજ ‘મહાભારત’ વાંચો તોય શો ફાયદો? યાદ રહે જીવનના અનુભવોમાંથી જડેલાં સત્યો ગીતા, કુરાન કે બાયબલનું જ પવીત્ર ફળકથન હોય છે. શાયર દેવદાસ ‘અમીરે‘ કહ્યું છે: ‘છોડ ગીતા, કુરાન અને બાયબલ… અસલી પથ તો એ છે જે જમાનો શીખવે છે!’
પૃથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે; પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે. કો’ક દુ:ખી માણસનાં આંસુને તમારી હથેળી વડે લુછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ તેમ કરવામાં શું નુકસાન છે?
તરસની જેમ દુ:ખ સર્વવ્યાપી સ્થીતી છે. આપણે મન્દીર ન બંધાવી શકીએ; પણ મન્દીર બહાર બેસતા ભીખારીઓમાંથી કો’ક એકના પેટની આગ ઠારીએ તેમાં ક્યું નુકસાન છે? રોડ પર અકસ્માતમાં માણસ ઘવાય ત્યારે આજપર્યંત એક પણ વાર એવું બન્યું નથી કે તેને મદદ કરવા દોડી જનાર લોકોએ પહેલાં તેને એમ પુછ્યું હોય કે– ‘તમે હીન્દુ છો કે મુસ્લીમ….?’ એક પ્રશ્ન પર ખાસ વીચારવા જેવું છે હીન્દુ–મુસ્લીમ યુવક–યુવતીનાં મન મળી જાય અને બન્નેના અંતરનાં આંગણાંમાં હૈયાનો હસ્તમેળાપ થાય, ત્યારે એને ‘હીન્દુપ્રેમ’ અને ‘મુસ્લીમપ્રેમ’માં વહેંચી શકાય ખરો?સમગ્ર સૃષ્ટીના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર જોડે પ્રાકૃતીક રીતે સંકળાયેલા છે.
સૌનાં આંસુ સરખાં છે. સૌના આનંદ સરખા છે. સૌની દેહરચના તથા જન્મ અને મુત્યુ સરખાં છે. તે ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (‘ઈસ્લામી–રંગ’ કે ‘હીન્દુ–રંગ’માં) વીભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત–જાત અને ધર્મ–કોમના આટલા ભેદભાવ કેમ?
ધુપછાંવ
દરેક માણસને એક ધર્મ હોય છે. એ ધર્મ ગેટપાસ જેવો ગણાય. જીવનભર માણસ ધર્મનો બીલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે પણ કબરમાં કે સ્મશાનમાં એ બીલ્લાની કોઈ મહત્તા રહેતી નથી. મન્દીર બહાર બુટ ઉતારી દેવા પડે છે, તે રીતે ચીતા પર કે કબરમાં જતાં પહેલાં એ બીલ્લો આપોઆપ ઉતરી જાય છે. ધર્મ તો સીનેમાની ટીકીટના અડધીયા જેવો છે. થીયેટર છોડ્યા પછી માણસ એ અડધીયું ફેંકી દે છે. તે રીતે ધર્મ પણ માત્ર આ પૃથ્વીલોકના ઈલાકામાં કામ આવતી ચીજ છે. મૃત્યુલોકમાં પ્રવેશીએ પછી ધર્મનું ચલણ કામ આવતું નથી. મૃત્યુ આગળ નાત, જાત કે ધર્મ, કોમના બધા ભેદ ભુંસાઈ જાય છે. તાત્પર્ય એટલું જ કે સમગ્ર વીશ્વ માટે માનવધર્મથી ચડીયાતો ધર્મ બીજો એકે નથી.
દીનેશ પાંચાલ
લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી - 396 445 સેલફોન: 94281 60508
કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2012ના ઓગસ્ટ માસના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખને તારીખ 13 સપ્ટેમ્બર, 2013ના રોજ કચ્છી જૈન સમાજ, પાલડી, અમદાવાદ ખાતે ‘મંગલ મન્દીર’ માસીક વર્ષ2012નો સર્વશ્રેષ્ઠ લેખ’ તરીકેનો ઍવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.
[ગોવીન્દ મારુ..:"અભીવ્યક્તી" રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday 3 January 2015

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.