વેબ સરિતા: January 2015
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Saturday 24 January 2015

નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી - વેબદુનિયા


જોવુ હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. નિસર્ગ સાથે સંકળાયેલો માણસ તેનાથી અલિપ્ત કેમ રહી શકે? તેથી માનવ સમાજ પણ વસંત પંચમીનો ઉત્સવ, ઉલ્લાસ અને ઉમંગથી ઊજવે છે. 

વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યોવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે. 

વસંત ઋતુ એટલે બધી રીતે સમાનતા. આ દિવસો દરમિયાન કડકડાતી ઠંડી લાગતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી. દરેકને ગમે તેવુ ઋતુ, જીવનમાં વસંત ખીલવવે હોય તો જીવનમાં આવનારાં સુખદુ:ખ, જયપરાજય, યશઅપયશ વગેરેમાં સમાનતા રાખતા આવડવી જોઈએ. 

વનસ્પતિ સૃષ્ટિની જેમ માનવ જીવનમાં પણ પાનખર આવે જ છે ત્યારે ઇશશ્રદ્ધા રાખી પોતાના પુરુષાર્થમાં મક્કમતાથી મંડ્યા રહીશું તો પ્રભુ આપણું જીવન ખીલવશે જ, એવો આશાદીપ સતત પ્રજવલિત રાખવાનું સૂચન વસંત કરે છે. તે આપણું જીવન હરિયાળું બનાવશે જ, તેની ખાતરી રાખવાની છે. 

વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. 
શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે. બદલાતા સમય સાથે આપણે ટેકનોલોજીની નજીક અને કુદરતથી દૂર થતા જઈ રહ્યા છે.  તેવા સમયે કુદરતના રૂપને નિહાળીશુ તો ખ્યાલ આવશે કે આપણે કોની અવગણના કરી રહ્યા છીએ અને શુ ગુમાવી રહ્યા છીએ. 
[http://gujarati.webdunia.com/ માંથી સાભાર ]
**************************************************************************************************************************


પ્રકૃતિનો અનેરો ઉત્સવ એટલે વસંતપંચમી
  
 


Vasant Panchami festival invisible nature
ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિધાની દેવી મા શારદાનો સંગમ છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો.
સરસ્વતી દેવીના બાર નામ તમારા અજ્ઞાનનો નાશ કરીને પ્રકાશ તરફ લઈ જાય છે. વસંત પંચમીના અબોધ નક્ષત્રમાં પણ માં સરસ્વતીનુ વિધિપૂર્વક પૂજન કરવાથી ચોક્કસ સફળતા મળે છે. આ દિવસે ભક્તો પર માતાની વિશેષ કૃપા રહે છે. તેમના બાર નામ ભારતી, સરસ્વતી, શારદા, હંસવાહિની, જગતી, વાગીશ્વરી, કુમુદી, બ્રહ્મચારિણી, બુદ્ધિદાત્રી, વરદાયિની, ચંદ્રકાંતિ અને ભુવનેશ્વરી છે.
વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી સરસ્વતી પૂજનનું પ્રચલન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવે છે.
વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરી પીળુ ચંદન, પીળા અક્ષત, પીળા ફૂલ, ધૂપ દીપ નૈવેધ, ગંગા જળ પાન, સોપરી, લવિંગ, ઈલાયચી, પીળા વસ્ત્ર, વાદ્ય યંત્ર, પુસ્તકો વગેરેથી સરસ્વતીની પ્રતિમાને ઊંચા આસન પર મુકી પૂજા કરવી જોઈએ અને ઉભા થઈને સરસ્વતીની આરતી કરવી જોઈએ.
મધ્યપ્રદેશમાં મેહરની અંદર આલ્હા દ્વારા બનાવેલ સરસ્વતી દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે. લોકોનો વિશ્વાસ છે કે આલ્હા આજે પણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પૂજા કરવા અહીંયા આવે છે. એક લોકવાયકા અનુસાર પ્રાચીનકાળમાં ગુરૂના શ્રાપથી યાજ્ઞવલ્ક્ય મુનિની વિધા નષ્ટ થઈ ગઈ હતી. તેમણે સરસ્વતીની પૂજા કરી. ત્યાર બાદ સરસ્વતીની કૃપાથી તેમની સ્મરણશક્તિ પાછી આવી હતી. વસંત પંચમીના દિવસે ઋષિએ પોતાની વિધા પાછી મેળવી હતી.
આપણા પૌરાણિક ગ્રંથોમાં વાગ્દેવી સરસ્વતીના શાસ્ત્રોક્ત રૂપ- સ્વરૂપોનું વિશાળ વર્ણન મળે છે. ઋગ્વેદમાં વિધાની દેવીને એક પવિત્ર સરિતના રૂપમાં વર્ણિત કરવામાં આવી છે. મહાભારતમાં દેવી સરસ્વતીને શ્વેત વર્ણવાળી, શ્વેત કમળ પર આસીન તેમજ વીણા અક્ષમાળા તેમજ પુસ્તક ધારણ સ્વરૂપ રચવાનો નિર્દેશ આપ્યો છે. તે વખતે નિર્દેશોને અનુસાર જ કલાકારોએ વાગ્દેવીને વિવિધ શાસ્ત્રસમ્મત રૂપોને પાષાણ અને ચિત્રોમાં અંકિત કરી હતી.
[http://www.vishwagujarat.com/ માંથી સાભાર ]
*******************************************************************

વસંત પંચમી માતા સરસ્વતીના પ્રાગટ્ય દિન :

વસંત પંચમીએ માતા સરસ્વતીને શા માટે ચઢાવાય છે ચોખાનો ભોગ?
વસંત પંચમીના દિવસેને માતા સરસ્વતીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે. 
વસંત પંચમી(આ વર્ષે 4 ફેબ્રુઆરી) વિશેષ કરીને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તેની પાછળ અનેક ધાર્મિક લોકકથાઓ છે જેમાં એક આ પ્રકારે છે….

કહેવાય છે કે જ્યારે વિષ્ણુની આજ્ઞાથી બ્રહ્માણે સૃષ્ટિની રચના કરી, વિશેષ કરીને મનુષ્યોની રચના પછી જ્યારે બ્રહ્માએ પોતાની રચનાને જોઈ તો તેમને લાગતું હતુ કે, કંઈક ખામી રહી ગઈ છે. જેના લીધે ચારેય તરફ મૌન છવાયેલું રહે છે. વિષ્ણુની અનુમતિ લઈ તેમને એક ચર્તુભૂજી સ્ત્રીની રચના કરી જેના એક હાથમાં વીણા તથા બીજા હાથમાં વરમુદ્રા હતી. અન્ય બંને હાથમાં પુસ્તક અને માળા હતી. બ્રહ્માએ દેવી પાસેથી વીણા વગાડવાનો અનુરોધ કર્યો. જેવો દેવીએ વીણાનો મધુરનાદ કર્યો, સંસારના સમસ્ત જીવન-જંતુઓને વાણી પ્રાપ્ત થઈ ગઈ. જલધારામાં ચેતના આવી ગઈ. પવન ચાલવાથી સરસરાહટ થવા લાગી. ત્યારે બ્રહ્માણે આ દેવીને વાણીની દેવી સરસ્વતી કહી.
સરસ્વતીને ભગવતી, શારદા, વીણાવાદીની અને વાગ્દેવી સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. માતા વિદ્યા અને બુદ્ધિ પ્રદાતા છે. સંગીતની ઉત્પત્તિ કરવાને લીધે તેઓ સંગીતની દેવી પણ છે. વસંત પંચમીના દિવસે તેમનો જન્મોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. ઋગ્વેદમાં ભગવતી સરસ્વતીનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની સમૃદ્ધિ અને સ્વરૂપનું વૈભવ અદભૂત છે. પુરાણો પ્રમાણે શ્રીકૃષ્ણએ સરસ્વતીથી ખુશ થઈ તેમને વરદાન આપ્યું હતું કે, વસંત પંચમીના દિવસે તમારી પણ આરાધના કરવામાં આવશે. વસંત પંચમીના દિવસે સરસ્વતીનો જન્મ દિવસ માનવામાં આવે છે એટલા માટે આ દિવસે તેમની આરાધના કરવામાં આવે છે.
તેની સાથે જ આ દિવસ અબૂઝ (વણજોયેલુ) મૂરતના નામે પણ ઓળખાય છે. વસંત પંચમીના દિવસે કોઈ નવું કામ પ્રારંભ કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. આ કારણે જ ઋષિઓએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાની પ્રથા ચાલું કરી હતી. કોઈ પણ કલા અને સંગીતના શિક્ષણની શરૂઆત કરતા પહેલા માતા સરસ્વતીની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. 
જે વિદ્યાર્થીઓ મહેનતની સાથે સરસ્વતીની આરાધના કહે છે તેમને જ્ઞાનની સાથે-સાથે સન્માન પણ પ્રાપ્ત થાય છે. વસંત પંચમીના દિવસે સૌ પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા પછી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. શિક્ષા, ચતુરાઈ ઉપર વિવેકનો અંકુશ લગાવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના ભોગમાં વિશેષ કરીને ચોખાનો ભોગ લગાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે, માતા સરસ્વતીને શ્વેત રંગ ખૂબ જ પ્રિય હોય છે. તેની સાથે જ ચોખાને હકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, ચોખાનો ભોગ લગાવવાથી ઘરના બધા જ સભ્યોને માતાના આશીર્વાદની સાથે હકારાત્મક બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.
*************************************************************

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday 24 January 2015

Saturday 17 January 2015

તારા પ્રત્યે એને લાગણી હતી ખરી? - ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


થી કભી, અબ મગર વો ચાહ નહીં, ઉનસે પહલી સી રસ્મો-રાહ નહીં,
કુછ-ન-કુછ હુસ્ન ભી તો હૈ મુઝરિમ, સબ-કા-સબ આંખ કા ગુનાહ નહીં.
-  મંજૂર આરિફ
માણસને માત્ર સંબંધ જ જોઈતો હોતો નથી. સંબંધની સાબિતી પણ જોઈતી હોય છે. મારા સંબંધનો પડઘો પડવો જોઈએ. હું બોલું ત્યારે હોંકારો મળવો જોઈએ. મારી વાત એણે સાંભળવી જોઈએ. એની વાત એણે મને કહેવી જોઈએ. આપણે કોઈને મેસેજ કરીએ અને એનો જવાબ ન મળે તો આપણને માઠું લાગી જાય છે. મેં એને વિશ કર્યું અને એણે મને થેંક્સનો મેસેજ પણ ન કર્યો! આપણે ક્યારેય એવું માનતાં નથી કે મારે કરવું હતું એ મેં કર્યું, એને યોગ્ય લાગે એમ એ કરે. આપણે વિચારો કરવા લાગીએ છીએ કે એણે મને કેમ જવાબ ન આપ્યો? એને હવે મારામાં રસ નથી? હવે એને મારી કોઈ જરૂર નથી? હવે એને બીજા મિત્રો મળી ગયા હશે? મેં મેસેજ કરીને મૂર્ખાઈ કરી? મારે શા માટે સામેથી વહાલા થવાની જરૂર છે? આપણે ભાગ્યે જ એવો વિચાર કરીએ છીએ કે એ કંઈ તકલીફમાં તો નહીં હોયને? બનવાજોગ છે કે એનો ફોન જ બંધ હોય! કોઈક કારણ હોય જેનાથી એ જવાબ ન આપી શક્યો હોય! ના, આપણે તો પ્રતિસાદ જ ઇચ્છતા હોઈએ છીએ. જવાબ તો આપવો જ જોઈએ, એવું આપણે માની લઈએ છીએ. કમ્યૂનિકેશનનાં સાધનો વધ્યાં એમ માણસની અપેક્ષાઓ પણ વધી ગઈ છે. રિપ્લાય પણ ઇન્સ્ટન્ટ જોઈએ છે!
હવે સંબંધો 'અનલિમિટેડ' થઈ ગયા છે. કેટલાં બધા કોન્ટેક્ટસ આપણા મોબાઇલમાં હોય છે. દુનિયાના ગમે તે છેડેથી ગમે તે વ્યક્તિ આપણને મેસેજ કરે છે. વર્તુળ એવડું મોટું થઈ ગયું છે કે આપણે પોતે જ તેમાં ભૂલા પડી જઈએ. એક સમયે મિત્રો બહુ થોડા હતા પણ મૈત્રી ગાઢ હતી. આજે મિત્રો અનેક છે પણ દોસ્તીને શોધવી પડે છે.
લાગણી શોધવાનું સર્ચ મશીન હોતું નથી. ફ્રેન્ડ મળી જાય છે પણ ફ્રેન્ડશિપ મળતી નથી. વર્ચ્યુઅલ વર્લ્ડમાં કંઈ ખોટું નથી પણ તમારી અપેક્ષાઓને એટલી બધી વધારી ન દો કે એ પછી તમને જ દુઃખી કર્યે રાખે! અત્યારે તો સંબંધો વધારવાની હોડ ચાલી છે. ફેસબુક પર ફ્રેન્ડ્સના ફિગરથી આપણે આપણાં સર્કલનો અંદાજ બાંધી લઈએ છીએ. આશા તો એવી રાખીએ છીએ કે આ સંબંધો આખી જિંદગી ચાલે અને આપણે ઇચ્છીએ ત્યારે આપણને જવાબ મળે. દરેક સંબંધમાં રિસ્પોન્સ મળે એવું જરૂરી નથી.
સંબંધો અમર્યાદિત રાખો તેનો વાંધો નથી પણ અપેક્ષાઓ મર્યાદિત રાખો. દરેક માણસના 'ઈમોશન'નું એક ચોક્કસ લેવલ હોય છે. માણસ જેમ વધુ ઈમોશનલ હોય એમ એણે સંબંધ બાબતે વધુ 'એલર્ટ' રહેવું જોઈએ. સંબંધો સુખ પણ આપે છે. સંબંધો પેઈન પણ આપે છે. કોઈ સાથે 'એટેચ' થાવ ત્યારે એની સાથે 'કટ ઓફ' થવાની પણ થોડીક તૈયારી રાખવી પડે છે. કટ ઓફ થઈ ન શકનાર વ્યક્તિ પીડાતી રહે છે. દરેક વ્યક્તિને આપણાં પ્રત્યે લાગણી હોય એ જરૂરી નથી. આપણી સાથે જોડાયેલી વ્યક્તિને પણ માત્ર આપણા માટે જ લાગણી હોય એવું જરૂરી પણ નથી અને શક્ય પણ નથી. કોઈ સંબંધ તૂટવાના કારણે જો આપણે દુઃખી થતાં હોય તો તેના માટે ઘણા બધા અંશે આપણે જ જવાબદાર હોઈએ છીએ.
માણસે બ્રેકઅપ મેનેજ કરતાં પણ શીખવું જોઈએ. કોઈ સંબંધનો અંત આવે ત્યારે માણસ પાસે માત્ર બે જ રસ્તા હોય છે. એક તો એમાં પડયા રહેવું અને દુઃખી થયે રાખવું અને બીજો રસ્તો એ કે તેમાંથી નીકળી જવું. પ્રેમીઓનું બ્રેકઅપ અને પતિ-પત્નીના ડિવોર્સ થતાં રહે છે. આ બે સંબંધ સિવાયના પણ કેટલા બધા સંબંધો તૂટતા રહે છે. કાચનું વાસણ તૂટે ત્યારે આપણે કાચના ટુકડાથી માંડી નાની-નાની કરચ પણ ભેગી કરીને ફેંકી દઈએ છીએ. ભેગા કરતી વખતે પણ ધ્યાન રાખીએ છીએ કે ક્યાંક વાગી ન જાય! સંબંધો પણ કાચના જ બનેલા હોય છે. ક્યારેક કોઈક ફૂટી પણ જાય. દુઃખ પણ થાય. એની કરચ વાગવા દેવી કે ન વાગવા દેવી એ આપણે નક્કી કરવાનું હોય છે.
એક માણસનો સંબંધ તૂટયો. એ ડિસ્ટર્બ હતો. એક ફિલોસોફરને તેણે વાત કરી. ફિલોસોફરે કહ્યું કે અમુક સંબંધો અને અમુક માણસો આપણી જિંદગીમાં મહેમાન બનીને આવે છે. મહેમાન કાયમી રહેતા નથી. એ તો આવ્યા ત્યારે જ નક્કી હોય છે કે એ જવાના છે. તમે એને કાયમી માની ન લો. તમે મહેમાનગતિ કરી એ પૂરતું છે. મહેમાન ઘરેથી જાય પછી આપણે ઘરને પાછું સમુંનમું કરી લઈએ છીએ. મહેમાનને આપેલાં ટુવાલ-નેપ્કિન પણ ધોવામાં નાખી દઈએ છીએ. કોઈ સંબંધ જાય ત્યારે આપણે પાછા સરખા થઈ જવાનું હોય છે. ઘણા મહેમાન ગમતાં પણ હોય છે પણ એય જવાના હોય છે. કોઈ બે-ચાર દિવસના હોય તો કોઈ બે-ચાર મહિનાના હોય! આપણે કાયમી તેને પકડી ન રાખી શકીએ! આપણે ઘણી જગ્યાએ ફરવા જઈએ છીએ. આપણને અમુક સ્થળ ગમી પણ જાય છે. એ સ્થળે રહેવાનું પણ મન થાય છે. આપણે ત્યાં રહી શકતા નથી. વધુમાં વધુ બે-ચાર દિવસનો સ્ટે વધારી દઈએ. અંતે તો પાછા જ ફરવાનું હોય છે. આપણે પણ ક્યાં દરેક સંબંધને કાયમી જાળવી શકીએ છીએ?
એક યુવાન એક હિલ સ્ટેશન પર ફરવા ગયો. એ જે હોટલમાં રોકાયો હતો ત્યાં જ એક બીજો યુવાન પણ રોકાયો હતો. બંને સવારે બ્રેકફાસ્ટમાં ભેગા થઈ ગયા. સાથે ફરવા જવાનું નક્કી કર્યું. ત્રણ-ચાર દિવસ બંને બહુ પ્રેમથી ફર્યા. બંને બહુ સારા મિત્રો બની ગયા. આખરે જુદા પડવાનો સમય આવ્યો. એક યુવાને બીજા પાસેથી તેનો કોન્ટેક્ટ નંબર માંગ્યો. બીજા મિત્રએ કોન્ટેક્ટ નંબર આપવાની ના પાડી. મારે નથી આપવો! શું જરૂર છે? આપણે મળ્યા, જુદાં પડયા. સાથે મજા કરી. એકબીજાની યાદો સાથે છે, એ પૂરતું નથી? આપણે શા માટે દરેક સંબંધ કાયમ રાખવા જ ઇચ્છીએ છીએ? એક સંબંધ માટે આટલો સમય પૂરતો નથી? આપણે હવે કદાચ ક્યારેય નહીં મળીએ. માનો કે ક્યાંક મળી જઈશું તો પાછી આવી જ મજા કરીશું! પાછા મળી જઈએ ત્યારે કદાચ આવી જ મજા ન પણ આવે અને કદાચ આનાથી પણ વધુ મજા આવે. આ સંબંધને ખેંચવાની શું જરૂર છે? આપણે એકબીજાને કોન્ટેક્ટ આપીશું, પછી ધરાર બંધાયેલા રહીશું. એકબીજાનો જવાબ નહીં મળે તો દુઃખી થઈશું. એ દોસ્ત! આટલું જ રાખ. ચાલ સરસ મજાની યાદો સાથે છૂટાં પડીએ. એ યુવાને ખરા દિલથી હગ કર્યું અને પછી તેની બેગ ઉપાડી ચાલવા લાગ્યો. આપણે કોઈને આટલી સહજતાથી આપણી જિંદગીથી દૂર જવા દઈએ છીએ? ના, પકડી રાખીએ છીએ. એ છટકી જાય તો એને કોસતાં રહીએ છીએ. કોઈ સંબંધ પૂરો થાય ત્યારે એવું પણ ન વિચારો કે એને મારા પ્રત્યે લાગણી હતી કે નહીં?
સંબંધો સમાપ્ત થતાં હોય છે. ક્યારેક સુખ સાથે અને ક્યારેક દુઃખ સાથે, થોડીક મીઠી યાદો સાથે અને થોડીક કડવી યાદો સાથે! દુઃખ પણ થાય. દુઃખ થવું પણ જોઈએ. ચ્યુંઇંગમ ગમે એવી મીઠી હોય તોપણ એ ક્યારેક તો સ્વીટનેસ ગુમાવે જ છે. ટેસ્ટ વગરની ચ્યુંઇંગમ ક્યાં સુધી ચાવતા રહેવું છે એ નક્કી કરવું પડે છે. સંબંધો તૂટવાનો અફસોસ પણ ન કરો. રાતે ઊંઘમાં આવતાં સુંદર સપનાં પૂરાં થઈ જ જતાં હોય છેને? સુંદર સપનાને અને સુંદર સંબંધોને વાગોળો પણ એનો વલોપાત ન કરો!  
છેલ્લો સીન : એકડો આવડી જાય પછી બાળક પણ એને ઘૂંટવાનું છોડી દે છે. માણસને સંબંધ સમજાઈ જાય પછી પણ કેમ એને વાગોળતાં રહીને દુઃખી થવાનું છોડતો નથી?   - કેયુ
[http://sandesh.com/article.aspx?newsid=3032810 માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday 17 January 2015

Saturday 3 January 2015

સીનેમાની ટીકીટના અડધીયા જેવો ધર્મ –દીનેશ પાંચાલ

      
ડો. ડેવીડ ફ્રોલી ભારતીય ઈતીહાસના નીષ્ણાત છે. તેમણે કહ્યું છે: ‘અમેરીકા અને જાપાન એટલા માટે સુખી અને સમૃદ્ધ છે કે ત્યાં ધર્મ સમ્પ્રદાયના વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે.’ મલેશીયા અને પાકીસ્તાનમાં અઢળક કુદરતી સમ્પત્તી છે. પણ એ ગરીબ રહ્યા; કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે. મલેશીયામાં હીન્દુ કે ખ્રીસ્તી નાગરીક મુસ્લીમ બની શકે; પણ ઈસ્લામી નાગરીક ધર્મપરીવર્તન કરીને હીન્દુ કે ખ્રીસ્તી ન બની શકે. ઈસ્લામમાંથી ધર્મ પરીવર્તન કરનારને દેહાન્તદંડની સજા થાય છે. એ સમ્બન્ધે એક ચોંકાવનારો કીસ્સો ઘૃણા ઉપજાવે એવો છે. 1988માં મલેશીયામાં જન્મેલી મુળ મલય જાતીની મુસ્લીમ છોકરી (નામ એનું લીના જૉય) ધર્મપરીવર્તન કરીને ખ્રીસ્તી બની. તે છોકરી રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટી કાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ, આટલી બાબતે ગુનો ગણીને ઈસ્લામીક શેરીયા કોર્ટે તેને બેવફા જાહેર કરીને દેહાન્તદંડની સજા ફરમાવી છે. (આજે પણ એ યુવતીએ જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે)
એક વાત સમજાતી નથી. ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ? માણસે પીડાસહન કરવા કે દુ:ખી થવા માટે ધર્મ પાળવો જોઈએ એવું કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી. ધર્મ આખરે શું છે? ભુખ લાગે તો રોટી ખાવી એ જીવન છે અને કોઈ ભુખ્યો આવે તો તેને અડધામાંથી અડધી રોટી આપવી એ ધર્મ છે. પાણી માટે કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.
મીત્રો વચ્ચે ચર્ચા ચાલતી હતી તેમાં એક પ્રૉફેસર મીત્રે જે કહ્યું તે સાંભળવા જેવું છે. એમણે કહ્યું: ‘હું કોઈ પ્રસ્થાપીત ધર્મ પાળતો નથી; પણ માનવધર્મમાં મને પુરી આસ્થા છે. હું મન્દીર, મસ્જીદ કે ગીરજાઘરોમાં જતો નથી; પણ કોઈને હૉસ્પીટલમાં લઈ જવાની ઈમરજન્સી ઉભી થઈ હોય તો મારું કામ પડતું મુકીને દોડી જાઉં છું, ભુખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું; કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉં છું; કોઈનું લોહી પીતો નથી. મન્દીરમાં જવાને બદલે કોઈ સાહીત્યકારની શીબીરમાં જવાનું મને વધુ ગમે છે. મન્દીરમાં ગવાતાં ભજનો સામે મને વાંધો નથી; પણ ભજન ગાવા કરતાં સાહીત્યગોષ્ઠીમાં ચીન્તન–મનન કરવાનું મને વધુ ગમે છે. શીરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબાને રીઝવવા કરતાં ઘરડા મા–બાપની સેવા કરવાનું મને ગમે છે. ઘરમાં સાગનું નાનું મન્દીરીયુ છે. તેમાં ક્યા દેવ છે તેની મને ખબર નથી. પત્ની રોજ પુજા કરે છે. હું નથી કરતો. પત્નીએ મારી ધર્મવીમુખતા સ્વીકારી લીધી છે. હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સુકાય નહીં ત્યાં સુધી હું ત્યાં પગલાં ન પડે તેનું ધ્યાન રાખું છું) એને કંટોલાંનું શાક બહુ ભાવે, મને બીલકુલ ભાવતું નથી. પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલાં (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું. મને કારેલાંનું શાક ખાસ પ્રીય છે તેને ભાવતું નથી. હું કદી તેને તે ખાવા માટે આગ્રહ કરતો નથી. અમારા સહજીવનમાં કંટોલાં–કારેલાં જેવી ઘણી અસમાનતાઓ છે; પણ અમે અનુકુલન સાધીને જીવીએ છીએ. એ ધર્મ પાળે છે, હું પાળતો નથી; છતાં સમજદારીથી સુખી દામ્પત્ય જીવન વીતાવીએ છીએ. દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં અનુકુલન વધુ જરુરી છે. હું બીલકુલ ધાર્મીક નથી; પણ લાખો ધાર્મીકો કરતાં વધુ સુખી છું.’
પ્રૉફેસર મીત્રે આગળ કહ્યું: ‘ઘણા લોકો ભગવાનનો ફોટો, મુર્તી વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે; પણ જમ્યા પછી દાંત સાફ કરતા નથી. રોજ ધાર્મીક પુસ્તકોનું પોપટ–રટણ કરે છે; પણ અખબારો કે પુસ્તકો વાંચતા નથી. તેઓ શ્રદ્ધાપુર્વક ‘રામાયણ’ વાંચે છે; પણ ધંધામાં પાપનું પારાયણ કરવામાં પાછા પડતા નથી. ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી, કોમી રમખાણોમાં થતી છરાભોકથી ઓછી ખતરનાક નથી. ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દીવસભરનાં પાપો ધોવાઈ જાય એવું હું માનતો નથી. હું મન્દીરે નથી જતો; પણ લાઈબ્રેરીમાં રોજ જાઉં છું. ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોનાં જીવનચરીત્રો વાંચું છું. આજપર્યંત ઘરમાં એક પણ વાર કથા–કીર્તન–ભજન, યજ્ઞ કે પુજાપાઠ કરાવ્યાં નથી; પણ મારા આખા કુટુમ્બે દેહદાન અને નેત્રદાનનું ફોર્મ ભર્યું છે. રક્તદાન કરવાનું અમે કદી ચુકતાં નથી. સાધુ–સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ–બે ગરીબ વીદ્યાર્થીને પુસ્તકો, ફી વગેરેમાં મદદ કરું છું. રથયાત્રામાં જોડાતો નથી; પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીંગ વૉક) જરુર કરું છું. કુમ્ભમેળામાં કદી ગયો નથી; પણવીજ્ઞાનમેળો કે પુસ્તકમેળો એકે છોડતો નથી. આ રીતે જીવનારનો ક્યો ધર્મ કહેવાય તેની મને ખબર નથી; પણ કદી એવી ચીન્તા થઈ નથી કે હું ઈશ્વરને નથી ભજતો, મન્દીરમાં નથી જતો, ઘરમાં કથા નથી કરાવતો, ધાર્મીક સ્થળોની યાત્રા નથી કરતો તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે તો મારું શું થશે?’
પ્રૉફેસર મીત્રની વાતો સાંભળી એક વાતનું સ્મરણ થયું. હું લખતાં લખતાં બે ધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તુરત શબ્દો સંભળાય – ‘કેટલી વાર કહ્યું કે પોતું માર્યું હોય ત્યારે સુકાય નહીં ત્યાં સુધી પગલાં પાડવાં નહીં.’ જોવા જઈએ તો આ એક વાક્યમાં સઘળા ધર્મોનો સાર સમાઈ જાય છે. આપણી વાજબી જરુરીયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે જેથી બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે; પણ કોઈને માટે લપ ન બની જઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આ જ વાત સઘળાં ધર્મપુસ્તકોમાં લખી છે. રાવણ બનવાથી બચી જાઓ, પછી ‘રામાયણ’ ન વાંચો તો ચાલે. જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન કે શકુની બની રહેતા હો તો રોજ ‘મહાભારત’ વાંચો તોય શો ફાયદો? યાદ રહે જીવનના અનુભવોમાંથી જડેલાં સત્યો ગીતા, કુરાન કે બાયબલનું જ પવીત્ર ફળકથન હોય છે. શાયર દેવદાસ ‘અમીરે‘ કહ્યું છે: ‘છોડ ગીતા, કુરાન અને બાયબલ… અસલી પથ તો એ છે જે જમાનો શીખવે છે!’
પૃથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે; પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે. કો’ક દુ:ખી માણસનાં આંસુને તમારી હથેળી વડે લુછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ તેમ કરવામાં શું નુકસાન છે?
તરસની જેમ દુ:ખ સર્વવ્યાપી સ્થીતી છે. આપણે મન્દીર ન બંધાવી શકીએ; પણ મન્દીર બહાર બેસતા ભીખારીઓમાંથી કો’ક એકના પેટની આગ ઠારીએ તેમાં ક્યું નુકસાન છે? રોડ પર અકસ્માતમાં માણસ ઘવાય ત્યારે આજપર્યંત એક પણ વાર એવું બન્યું નથી કે તેને મદદ કરવા દોડી જનાર લોકોએ પહેલાં તેને એમ પુછ્યું હોય કે– ‘તમે હીન્દુ છો કે મુસ્લીમ….?’ એક પ્રશ્ન પર ખાસ વીચારવા જેવું છે હીન્દુ–મુસ્લીમ યુવક–યુવતીનાં મન મળી જાય અને બન્નેના અંતરનાં આંગણાંમાં હૈયાનો હસ્તમેળાપ થાય, ત્યારે એને ‘હીન્દુપ્રેમ’ અને ‘મુસ્લીમપ્રેમ’માં વહેંચી શકાય ખરો?સમગ્ર સૃષ્ટીના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર જોડે પ્રાકૃતીક રીતે સંકળાયેલા છે.
સૌનાં આંસુ સરખાં છે. સૌના આનંદ સરખા છે. સૌની દેહરચના તથા જન્મ અને મુત્યુ સરખાં છે. તે ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (‘ઈસ્લામી–રંગ’ કે ‘હીન્દુ–રંગ’માં) વીભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત–જાત અને ધર્મ–કોમના આટલા ભેદભાવ કેમ?
ધુપછાંવ
દરેક માણસને એક ધર્મ હોય છે. એ ધર્મ ગેટપાસ જેવો ગણાય. જીવનભર માણસ ધર્મનો બીલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે પણ કબરમાં કે સ્મશાનમાં એ બીલ્લાની કોઈ મહત્તા રહેતી નથી. મન્દીર બહાર બુટ ઉતારી દેવા પડે છે, તે રીતે ચીતા પર કે કબરમાં જતાં પહેલાં એ બીલ્લો આપોઆપ ઉતરી જાય છે. ધર્મ તો સીનેમાની ટીકીટના અડધીયા જેવો છે. થીયેટર છોડ્યા પછી માણસ એ અડધીયું ફેંકી દે છે. તે રીતે ધર્મ પણ માત્ર આ પૃથ્વીલોકના ઈલાકામાં કામ આવતી ચીજ છે. મૃત્યુલોકમાં પ્રવેશીએ પછી ધર્મનું ચલણ કામ આવતું નથી. મૃત્યુ આગળ નાત, જાત કે ધર્મ, કોમના બધા ભેદ ભુંસાઈ જાય છે. તાત્પર્ય એટલું જ કે સમગ્ર વીશ્વ માટે માનવધર્મથી ચડીયાતો ધર્મ બીજો એકે નથી.
દીનેશ પાંચાલ
લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી - 396 445 સેલફોન: 94281 60508
કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2012ના ઓગસ્ટ માસના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખને તારીખ 13 સપ્ટેમ્બર, 2013ના રોજ કચ્છી જૈન સમાજ, પાલડી, અમદાવાદ ખાતે ‘મંગલ મન્દીર’ માસીક વર્ષ2012નો સર્વશ્રેષ્ઠ લેખ’ તરીકેનો ઍવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.
[ગોવીન્દ મારુ..:"અભીવ્યક્તી" રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday 3 January 2015

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.