વેબ સરિતા: 05/03/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Saturday 3 May 2014

ગીતાઃ જ્યારે પાર્થનો પુત્ર ‘વિષાદ’ પરમાત્માની પુત્રી ‘વાણી’ને પરણે છે..! - જય વસાવડા


‘પથ્થર પે લકીર’ જેવા વજનદાર સિદ્ધાંતો આપતા ચુસ્ત ‘ધર્મગ્રંથો’ કરતાં ભગવદ્દગીતાની ‘વાર્તા’ વઘુ ઉત્તમ ‘જીવનપંથો’ કંડારે છે
‘વેદરૂપી સમુદ્રને જયારે બુદ્ધિરૂપી રવૈયાથી (ન સમજાયું? બ્લેન્ડર ઉર્ફે જેળણી!) વલોવવામાં આવ્યો ત્યારે એમાંથી ભગવદ્દગીતારૂપી માખણ નીકળ્યું. આ ‘ગીતા નવનીત’ની જ્ઞાનરૂપી અગ્નિની વિચારરૂપી મંદ ઝાળ પર તપાવાય ત્યારે એમાંથી શ્રેષ્ઠ જીવનરૂપી ઘી મળે છે.’
આ ભારેખમ પણ કાવ્યાત્મક પ્રશંસાના શબ્દો છે મહારાષ્ટ્રના સંત જ્ઞાનદેવના… જેમણે ૧૫ વર્ષની ઉંમરે ભગવદ્દગીતા પર મનન કરી એની સમજૂતી આપતી ‘જ્ઞાનેશ્વરી ગીતા’ લખેલી. ભગવદ્દગીતા નામના પ્રમાણમાં ટચુકડા એવા ગ્રંથનું ‘સકસેસ સિક્રેટ’ આ બિરદાવલિમાં છુપાયેલું છે. ગીતા એ કેવળ ધર્મોપદેશ નથી. એને જ્ઞાન, બુદ્ધિ, તર્ક, વિચાર ઇત્યાદિના ‘ઓવન’માં શેકી શકાય છે. વિનોબા ભાવેથી હરિભાઈ કોઠારી સુધીના સહુ કોઇ એટલે જ એમાંથી અલગ અલગ અર્થછાયાઓ તારવી શકયા છે. ભારત અને ભગવદ્દગીતા બંને એકબીજાના પર્યાય જેવા છે. બંને કેલીડોસ્કોપ જેવા છે- જયારે જૂઓ ત્યારે કોઇક નવો રંગ… નવી ડિઝાઇન… નવી આકૃતિનો સાક્ષાત્કાર નજરને થતો રહે!
ગીતા નામધારી કોઇ સ્વરૂપવાન સુકન્યાના દેહલાલિત્યના રસભીના વર્ણનને બદલે આ ગીતા નામના આઘ્યાત્મિક પુસ્તકની ચર્ચા કરવાનું મન થવાનું કારણ કેવળ આજની ગીતાજયંતી નથી. એક મત મુજબ ગીતા કહેવાઇ ત્યારે માગશર મહિનો ચાલતો હતો. આમ પણ પ્રાચીન ભારતમાં ‘અગ્રહાયણ’ના નામે ઓળખાતા માગશર માસથી નવું વર્ષ પંચાંગમાં ગણાતું હતું. ગીતામાં પણ ‘માસાનાં માર્ગશીર્ષો અહમ્‌’ યાને ‘મહિનાઓમાં હું માગશર છું’ એવું કૃષ્ણપ્રસાદ વસુદેવરાય યાદવજી, રહેઠાણ દ્વારકા, વતન મથુરાએ ફરમાવ્યું છે.
ના, ના પ્રિય કૃષ્ણભકતો, એમ નારાજ ન થશો. કહેવાનો મતલબ એ છે કે ગીતા આજકાલ એના નામે ટોળા ભેગા કરી તરવા નીકળેલા ધઘૂપપૂઓ (ધર્મઘૂરંધર પરમ પૂજયશ્રીઓ!) ‘દિવ્યગ્રંથ’ કહે છે માટે મહાન છે- એવું નથી. જગતના દરેક ધર્મના શ્રદ્ધાળુઓ પોતાના પવિત્ર પુસ્તકને એટલા માટે ઉત્તમોત્તમ ગણાવે છે કે એના અમૃતવચનો સીધા જ પરમાત્મા, ખુદાતાલા, ગોડ કે ઇશ્વર જે કહો તેના મુખારવિંદમાંથી નીકળ્યા છે. ‘આ તો સીધી પ્રભુની વાણી છે, માટે એ અફર અને અમર જ હોય’વાળી વાત પાયામાંથી જ ખોટી છે. આ તો પરાણે પ્રીત કરાવવાનું બ્રેઇનવોશિંગ છે. ખુદ ભગવાને કહ્યું છે માટે કંઇ થોડું ખોટું હોય? એ તો આપણી બુદ્ધિ ટૂંકી છે!’ આવી વાહિયાત દલીલ કરનારા આમ કહીને જો ગીતાની મહાનતા સ્થાપિત કરવા માંગતા હોય તો નક્કી જાણજો કે એ ખુદ ‘ગીતાભકત’ છે, પણ ‘ગીતાજ્ઞાની’ નથી. એણે ગીતા ગોખી છે, પણ સમજી નથી. ગીતાની સિદ્ધિ જ એ છે કે એની વાત સાચી છે, માટે ઇશ્વરીય છે. ઇશ્વરીય છે, માટે સાચી નથી! આ વિરોધાભાસ સમજવાનો પ્રયત્ન કરજો… અને ન સમજાય તો ગીતા વાંચજો!
ભારતીય શાસ્ત્રો મુજબ ભકિત પાંચ પ્રકારે થાય છે. ‘શાંતરસ’ની ભકિતમાં ભકત તટસ્થભાવે ભગવાનને (કે કોઇપણ આરાઘ્ય બાબતને) ભજે છે. જેમ એક ગણિતશાસ્ત્રી નિર્લેપભાવે દાખલો ગણવામાં ડૂબી જાય છે તેમ! ‘દાસ્યરસ’વાળી (આજકાલ ખૂબ ચાલેલી) ભકિતમાં પ્રભુને જેમ એક સેવક એના માલિકને રાજી રાખવા ઇચ્છે એમ ભજવાના હોય છે. એમાં ગુલામીથી ખુશામત સુધીના બધા પરિમાણો આવી જાય! ભકિત ‘વાત્સલ્યરસ’થી પણ થઇ શકે. મા-બાપ પોતાના સંતાનની રાડારાડ પણ પ્રેમથી સહન કરી એની આગળ- પાછળ ફરે- એ પણ માતા- પિતા દ્વારા થતી સંતાનની ભકિત જ છે ને! ‘માઘુર્યરસ’વાળી ભકિત એટલે પ્રિયત્તમ અને પ્રેયસી એકબીજાની આરાધના કરે તે! ‘જાન, તુમ્હારે લિયે ચાંદ – તારે તોડ લાઉં’વાળી મુહોબ્બતની ફીલિંગ પણ ‘મેન’ને ‘મેડ’ ભકત બનાવે જ છે ને! ‘તું જેમ કહે તેમ, ડાર્લિંગ!’વાળી વાત છે. ભકિતનો પાંચમો પ્રકાર છે ‘સખ્યરસ’. ‘યાર, તું તો બાકી કમાલ છે’ કે ‘દોસ્ત, ગજબની સૂઝ છે તારી… તું મને જરાક ગાઇડન્સ (માર્ગદર્શન) દે…’વાળો સંબંધ પણ બે મિત્રો વચ્ચેની દિલદારી અકબંધ જાળવીને, મસ્તી- મજાકનો વ્યવહાર સાચવીને પણ એક મિત્રને બીજા મિત્રના જ્ઞાનનો ભકત બનાવે છે !
જેમ ડિટેકટીવ પાત્ર શેરલોક હોમ્સનો આવો ભકતમિત્ર વોટસન હતો, એમ ગીતામાં કૃષ્ણને મિત્રભાવે અર્જુને પૂજયા છે. માટે ગીતા કેવળ આદેશ કે ઉપદેશ ન બનતાં સવાલ અને જવાબ… કારણ અને નિવારણ… શંકા અને સમજૂતી…નો (ટુ-વે) ‘સંવાદ’ બને છે. એનું આ ‘ચર્ચાતત્વ’ જ ભાવકને વિશેષ આકર્ષે છે. ગીતા વિશ્વશ્રેષ્ઠ પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથ હિંદુ હોવાને લીધે ગણું છું, એમ નથી. કારણ એ છે કે, જે ગ્રંથમાં ‘મામેકં શરણં વ્રજ’ જેવી ઇશ્વરને અનુસરવાની અચળ આજ્ઞા છે, એમાં જ ‘યથેચ્છસિ તથા કુરૂ’ (તને જેમ યોગ્ય લાગે તેમ કર!)વાળી મુકત મોકળાશ પણ છે! ૨૧મી સદીનું ધર્મપુસ્તક ચૂકાદા આપે તેવું નહિ, પણ ચર્ચા જગાવે તેવું હોવું જોઇએ. ફોર ધેટ, ગીતા ઇઝ હિટ એન્ડ ફિટ! વળી, આજના ફાસ્ટ યુગમાં ગીતા આદર્શ એવી નાની છે.
ભારતીય પરંપરામાં વેદની વાણીને સમજાવવા ઉપનિષદો રચાયા છે. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને સાંખ્યોના અનેક ગ્રંથોના જ્ઞાનનો સારાંશ ગજબનાક ખૂબી અને સરળતાથી ગીતામાં સમાવાયો છે. ગીતા જાણે એકસાથે અન્ય ભારતીય તત્વદર્શનની ગાઇડબૂક અને કોડબૂક બંને છે. માટે જ ‘ગીતાજી’ જેવા ચાવળા શબ્દો વખોડવા યોગ્ય છે. ગીતાની પૂજા ન થાય… એને તો ‘ડિયર ગીતા’વાળો પ્રેમ થાય!
અને આ પ્રેમની મસ્તીમાં એ ભૂલવું ન જોઇએ કે ગીતા ભલે સ્વતંત્ર પુસ્તક તરીકે સુખ્યાત છે, પણ એ જેનો અંશ છે- એ ‘મહાભારત’ ગીતાથી પણ વઘુ ઘ્યાનપૂર્વક સમજવા જેવી રચના છે. એક ભવ્ય અને એકદમ પરફેકટ કથાના તમામ પ્લસ પોઇન્ટસ ધરાવતી પૃથ્વીની પ્રથમ સાહિત્યકૃતિ તરીકે ‘મહાભારત’માં ચુંબકીય નાટયતત્વ છે. યુદ્ધ ‘ધર્મયુદ્ધ’ હોય તો પણ અંતે તો બંને પક્ષે વિનાશ જ નોતરે છે- એ કટુ સત્ય કોઇ ઉપદેશ વિના માત્ર પાંડવ- કૌરવ વંશની કરપીણ ખુવારીના પ્રસંગોથી વેદવ્યાસે બતાવ્યું છે! બુશથી લાદેન સુધીના કોઇપણ માટે ટેકસ્ટબૂક બને એવી વાત છે આ! ‘મહાભારત’માં ગીતા પણ આસમાનમાંથી ટપકી પડતી નથી. ઉદ્યોગપર્વમાં ઘૃતરાષ્ટ્રે મોકલેલ સંધિપ્રસ્તાવ લઇને સંજય આવે છે, ત્યારે યુધિષ્ઠિર વાજપેયી સ્ટાઈલમાં ભાવુક બની જાય છે. એ વખતે કૃષ્ણ એનું મનોબળ મજબૂત કરે છે. એ જ ખંડમાં આગળ ભીમ શાંતિની વાત કરે છે, ત્યારે પણ કૃષ્ણ એને જોશીલી શિખામણ આપે છે.
આમ, એક નાટયતત્વસભર કૃતિ (ડ્રામેટિક ઈવેન્ટ) તરીકે ગીતાનો તખ્તો તૈયાર થતો જાય છે. સલીમ-જાવેદની સીટ સાથે જકડી રાખતી સ્ક્રીપ્ટની સ્ટાઈલમાં ગીતાની વાત ‘મહાભારત’માં મંડાય છે. દાધારંગી ટી.વી. સિરિયલ્સ બતાવે છે, એમ કંઈ સંજય ‘દિવ્યચક્ષુ’ લઈ વર્ણવવા બેઠો અને કુરૂક્ષેત્રના ‘એપિસોડ ૧’માં ગીતા કહેવાઈ એમ નથી! પહેલા તો વાચક કે પ્રેક્ષકને યુદ્ધ માટે તૈયાર સેનાના અદભુત વર્ણનથી એનો રસ જગાવાય છે. શંખો ફૂંકાય, શસ્ત્રોનો ગડગડાટ ગગન ગજાવે છે, હાથી, અશ્વો ધણધણે છે. બધા આતુરતાથી ‘એકશન સીન’ માટે જીભ તાળવે ચોંટાડી તૈયાર હોય… ત્યાં સંજય અને ઘૃતરાષ્ટ્ર ‘શા માટે આ ભૂમિ મેળવવા જ માનવ આવા લોહિયાળ ઝગડાઓ કરે છે?’ એવી લાં…બી ફિલસોફિકલ ચર્ચા માંડે છે. રોલરકોસ્ટરરાઈડમાં બેઠેલા ભાવક ધીરજ ગુમાવી ઝોલા ખાય ત્યાં અચાનક સંજય કહે છેઃ ‘ભીષ્મ હણાયા’ અને હજારો વોટનો કરન્ટ લાગે છે!
યસ, ‘મહાભારત’માં ગીતા યુદ્ધના ૧૦મા દિવસે રજૂ થઈ છે. મતલબ, ગીતા તો યુદ્ધના પ્રારંભે જ કહેવાયેલી, પણ વાચકને પહેલા ભીષ્મના મૃત્યુની વાત કહેવામાં આવે છે, પછી ફ્‌લેશબેકમાં યુદ્ધની શરૂઆત બતાવાય છે અને એમાં લડવા હામ હારી ગયેલા અર્જુનને ગીતા સંભળાવાય છે! પરફેક્ટ ટાઈમિંગ! બેસ્ટ પ્લેસમેન્ટ! પછી અસર ઉભી થાય જ ને! કૃષ્ણ નામના પૂર્ણાવતાર હશે કે કેમ એ વિવાદાસ્પદ છે, પણ ગીતા કહેનાર કે લખનાર વેદવ્યાસ કે જે એક્સવાયઝેડ- કોઈક તો હશે જ! એ જે કોઈ હોય, એ ‘પુરૂષોત્તમ’ જ હશે!
હા, ‘મહાભારત’નો નિષ્પક્ષ અભ્યાસુ એક પ્રચલિત માન્યતાનો તરત વિરોધ કરશે કે અર્જુનના હૃદયમાં સ્વજનો પ્રત્યેની કરૂણા ઉભરાવાથી એને વિષાદયોગ થયો! આંખો અને દિમાગ ખુલ્લા રાખીને ગીતા વાંચશો, તો તરત સમજાઈ જશે કે અર્જુન ‘કૂળનાશ’નું પાપ પોતાને લાગશે એ ભયથી થથરી ઉઠયો હતો! એ વખતની સમાજરચનામાં હત્યા-હિંસાની બહુ ટીકા ન થતી- પણ પોતાના હાથે જ પોતાના કૂળ- જાતિના લોકો કે બ્રાહ્મણ- ગુરૂ વગેરેની હત્યા થાય તો નરક મળે એવી આદિવાસી અંધશ્રદ્ધા ‘ટાઈપ’ની માન્યતાઓ હતી. અર્જુન સ્વજન પ્રત્યેની સંવેદનાથી નહિ, પણ પાપ લાગવાના ભયથી ફફડે છે. કારણ જે હોય તે- એનો વિષાદ સાચો છે. અને એ દૂર કરવા જગતના કોઈપણ મેનેજમેન્ટ એક્સપર્ટ કરતાંય મહાન ‘મોટિવેશનલ સ્પીચ’ આપવામાં આવે છે. જેના સંવાદોમાં અવનવી અભિવ્યક્તિઓને અવકાશ છે. માટે જ ગીતા પાર્થના પુત્ર ‘વિષાદ’નું પરમાત્માની પુત્રી ‘વાણી’ સાથે લગ્ન થતા (યાને અર્જુનની મૂંઝવણ અને કૃષ્ણના માર્ગદર્શનનું મિલન થતા) જન્મેલા સંતાનરૂપ ગણાઈ છે!
‘મહાભારત’ ફેક્ટ અને ફિક્શન યાને તથ્ય અને તરંગનું ફક્કડ મિશ્રણ છે. એમાં કુરૂકૂળના જન્મની વિગતો જ એવી અવાસ્તવિક છે કે એ કલ્પનાકથા લાગે… અને એમાં રજુ થતા માનવમનના પ્રવાહો અને પાત્રો એટલા વાસ્તવિક છે કે એ દર્પણની જેમ હકીકતનું પ્રતિબિંબ પાડતી કહાની લાગે! કેટલાક સંશોધકોના મતે ‘ગીતા’નું વર્તમાન સ્વરૂપ ‘મહાભારત’ના મૂળ ગ્રંથમાં નહોતું. પાછળથી બૌદ્ધ-જૈન મતનો અભ્યાસ કરી એમાં જે ખૂટતું હતું એ પણ ઉમેરી વર્તમાન ગીતા કોઈએ જોડી છે. આથી ગીતાની રચના કાળ અંગે મતભેદ છે. જો કે, ભગવતગીતાના અઢારે અઢાર અઘ્યાયની ભાષા એકસરખી અને સળંગસૂત્ર હોઈને એક જ ‘ગીતાકાર’નું સર્જન છે, એમાં કોઈ બેમત નથી. દૈવી કંઠે ગવાયેલા ગીત જેવા ગીતાના શ્લોકોમાં ભારોભાર કાવ્યતત્વ છલકે છે. એની આઘ્યાત્મિક રહસ્યની રજુઆત બરાબર ‘ફોકસ્ડ’ છે. વિષયથી ભટકતી નથી.
વળી, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રેઝન્ટેશન હોઈને એ ઝટ ગળે ઉતરે છે. ગીતાનું સરસ ગુજરાતી ભાષાતર કર્યા પછી એની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખેલું કે ગીતાના બીજા અને ત્રીજા અઘ્યાયમાં એનું સઘળું સત્વ છે. બાકીનું બઘું તો એને જ ફેરવી ફેરવીને સમજાવવા કરેલું રંગરોગાન છે. ગીતા માણસને એટલે આકર્ષે છે કે એ ‘હું કોણ છું? શા માટે છું? ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું?’ જેવા સનાતન માનવીય કૂતૂહલનો વિશ્વાસપૂર્વક જવાબ આપવાનો પ્રયત્ન કરે છે.
ગીતાના જાદૂઈ પ્રભાવનું બીજું રહસ્ય એ છે કે એ નિષ્ક્રિય બનીને કર્મનો ત્યાગ કરવાને બદલે કર્મનો મોહ ત્યાગવાની વાત કરે છે. ગીતાનું મઘ્યબિંદુ હોય તો એ છે ‘અનાસક્તિ’. આખી ગીતાનો સારાંશ એક જ શબ્દમાં આપવો હોય તો એ શબ્દ છે ‘આસંગ’. યાને સ્થિતપ્રજ્ઞ થઈ સાક્ષીભાવે જીવન જીવવાનો યજ્ઞ. ગાંધીજીને ફરી યાદ કરીએ તો ‘જે કર્મ છોડે એ પડે, કર્મ કરી તેના ફળ છોડે એ ચડે!’ આ સાદી વાત સોમાંથી નેવુંને સમજાતી નથી. જે દસને સમજાય છે, એમાંના નવ એનો અમલ કરી શકતા નથી!
અને આ ન સમજવાવાળાઓમાં સહુથી મોટો વર્ગ પાછો કહેવાતા ‘ગીતાગુરૂ’ઓનો છે! ગીતા પણ અંતે તો માનવ દ્વારા માનવ માટેની વાત હોઈને સર્વાંગ સંપૂર્ણ નથી. એમાં આવતી વર્ણવ્યવસ્થાની વાત ‘ગુણ-કર્મ’ની હોવા છતાં, ઉજળિયાતોએ એનો ખાસ્સો દુરુપયોગ કર્યો છે, અને ગીતાના મૂળ ઉપદેશના મર્મની અખિલાઈ સાથે વચ્ચે આવતા બ્રાહ્મણ-શૂદ્ર જેવા વિશેષણો એ કાળમાં સ્વીકાર્ય હોય તો યે આજે પ્રસ્તુત નથી. કેટલાક શ્લોકો તો યુધ્ધના વર્ણનના વેડફાટ જેવા છે. અમુક પડતા મુકો તો ય ફેર ના પડે! (હા, અમુક શ્લોકોમાં ભયાનકતાનું કોઈ હોલીવૂડ હોરર ફિલ્મને ટક્કર મારે તેવું વર્ણન છે. )
એના શ્લોકોમાંય વિરોધાભાસ છે. એક જગ્યાએ થયેલી વાતથી બિલકુલ ઉલટી જ વાત બીજી જગ્યાએ થઈ છે. અવિનાશી આત્માના સન્માર્ગે ઉત્થાનની વાત સાથે જ પાછી તેમાંથી ઉલટી એવી ઉત્તરાયણમાં મૃત્યુથી બ્રહ્મ મળે એવી વાતો છે! દ્વેષ અને રાગથી પર રહેવાની ભારપૂર્વકની શિખામણ અપાયા પછી આસુરી જીવન સામે ચીડપૂર્વકને ધિક્કાર યાને દ્વેષ પ્રગટ કરાયો છે. પણ એનાથી મૂળ સંદેશાની ચમકને ફરક પડતો નથી. પણ ગીતાના નામે પોતાના પ્રચાર કે સંગઠ્ઠનના ગીતની ઘૂન ગાનારાઓ ખુદ જ ગીતા દ્રોહીઓ છે! ‘સ્વયંના અઘ્યયન’ની ગીતાની શિખામણ જાત સાથે વાત કરી ભીતરનો અવાજ સાંભળવાની સાધનાની છે. આ ‘સ્વાઘ્યાય’નો અમલ જાતને બદલે સ્થાપિત ગુરૂની વાતો જાહેરમાં ટોળા ભેગા કરીને સાંભળવામાં થાય છે!
કોઈ બાપુશ્રીઓ વળી ગીતાની આણ દઈને દુષ્ટ પાશ્ચાત્ય સંસ્કૃતિને ખોબલે ખોબલે ‘ચોપડાવે’ છે. આઘુનિક યૌવનને ધડબડાવે છે. ગીતાની ઓથે સેક્સના, મનોરંજનના, સુખ સગવડોના અને વિજ્ઞાનના છોતરાં કાઢી નાખવામાં આવે છે. ગીતાને પચાવનારામાં આટલો ક્રોધ, આટલો દ્વેષ, આટલો તિરસ્કાર, આટલી નકારાત્મકતા, આટલી અકળામણ આવે જ કઈ રીતે? એનામાં ખુદના ‘સમ્યક દ્રષ્ટિ’ ન ખીલે તો એ બીજાને શું ગીતાબોધ આપશે? ખરા ગીતાજ્ઞાનીમાં તો બાળક જેવું મસ્ત વિસ્મય હોય… એને કશુંય ખરાબ ન લાગે… કશુંય ઓળઘોળ થવા જેવું સારું ન લાગે… એ ‘મારો વિચાર કે મારી સંસ્કૃતિ કે મારી પરંપરા કે મારા આદર્શ’ જેવા ‘મમત્વ’થી મુક્ત બની ગયો અને સમાજને દિશા બતાવવાને બદલે શાંત એકાંતવાસમાં જઈને બેઠો હોય!
માટે ગાજી ગાજીને ગીતાના વખાણ ગરજનારાઓ ખુદ ગીતા જીવનમાં ઉતારવી કેટલી અટપટી અને અઘરી છે- તેની પ્રત્યક્ષ સાબિતીઓ છે! ગીતાને જ ઝટ મહાન સાબિત કરવાની એમની અધીરાઈ ગીતામાં જ વર્ણવ્યા મુજબ પહેલા ક્રોધ પછી અનીતિ અને પછી કર્મફળની લાલસા અને અંતે દ્વેષમય દુઃખ જગાવે છે! ( કેસ સ્ટડી એક્ઝામ્પલ : આ વાત સ્વાધ્યાય / આસારામ વિવાદ  ઉઘાડો પડ્યો એ પહેલા લખાઈ હતી, જેનો પ્રત્યક્ષ પુરાવો પાછળથી મળ્યો! જે એક્સપોઝ નથી થયા એ તમામ પંથો અને ધાર્મિક સેલિબ્રિટીઓ / ફિલોસોફર્સને લાગુ પડે જ છે – પણ ઝીણી નજરે કોઈ એમને જોખતું નથી !  )માટે ગીતાને પામવાનો શ્રેષ્ઠ રસ્તો છે- વચગાળાના તમામ એજન્ટો, વ્હાલેશ્રીઓ, મહામંડલેશ્વરો, ચિંતકો, વિદ્વાનોને દૂર કરી સીધો ગીતાનો હાથ પકડો. ગીતાનું વાંચન કરો, મનન કરો- જાતે જ એના પર વિચાર કરવાની શરૂઆત કરો- એને હૃદયસરસી ચાંપીને રોજ એનો આસ્વાદ લો! (બાય ધ વે, ગીતા નામની કે અન્ય કોઈપણ કન્યા પામવાનો પણ આ જ શ્રેષ્ઠ માર્ગ છે!)
ગીતા ગોરખપુરના પ્રેસમાં છપાયેલા ગુટકાના પાનાઓ વચ્ચે જ પ્રગટ થાય છે, એવું ન માનશો. ગીતા એ પરમ ચૈતન્યના સાક્ષાત્કારનું સંગીત છે. એની અનુભૂતિ શબ્દો કરતા વઘુ મહત્વની છે. એ ગીતા બિલકુલ ન અડનાર પાસે ય હોઈ શકે. મમ્મીના હાથે પીરસાયેલી થાળીમાં કે સિનેમા થિયેટરના સ્ક્રીન સાથેની તલ્લીનતામાં પણ વ્રજની વાંસળીના સૂર સંભળાઈ શકે. પ્રયોગશાળાના કોમ્પ્યુટર્સ કે સ્પોર્ટસ સ્ટેડિયમની એકાગ્રતામાં પણ અદ્વૈત હોઈ શકે. પ્રેયસીના પ્રગાઢ ચુંબન કે હરિયાળા જંગલોના સ્પંદનમાં પણ વિરાટ દર્શન થઈ શકે!
બોલો, તમારે તમારી ભગવદ્દ ગીતા કૃષ્ણની માફક ગાવી છે કે પછી અર્જુનની જેમ સાંભળવી છે?
ફાસ્ટ ફોરવર્ડ
નહિ જ્ઞાનેનં સદ્દશં પવિત્રમિહ વિદ્યતે.
(ભગવદ્‌ગીતા, ૪-૩૮)
 ભાવાર્થ : ‘આ સૃષ્ટિમાં જ્ઞાનથી વઘુ પવિત્ર બીજું કંઈ નથી !’
*આ શ્લોક જ્ઞાનતરંગને મનોરંજનરંગમાં ઝબોળતી વાણી અને વિષાદની સફરના સાક્ષી એવા વાચકોને અર્પણ
[ http://planetjv.wordpress.com/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday 3 May 2014

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.